આમંત્રણ પત્રિકા 

નદીનાથ મહાતીર્થ


અરવલ્લીની ગિરીકન્દ્રાઓમાં વિકસાવેલું ઉત્તમ મહાતીર્થધામ-પ્રવાસધામ....


આહાલેકના પોકારો રાત્રીની નીરવ શાન્તિમાં ક્યારેક સંભળાય છે. ભરબપોરે એકલા મંદિરમાં દર્શન કરીને પરત ફરતા પરમ ભક્તને નગારું કે ઘંટનાદનો અવાજ સંભળાય. નજર કરો તો ક્યાંય એકેય માણસ ના દેખાય અને ઘંટના ગુંજારવ સંભળાય. અલૌકિક છે આ બધું, પરીકથા નથી જ, વાસ્તવિકતાનો પોકાર છે.


આઠસો પચાસ વર્ષ પુરાણું આ મંદિર ગુફા મંદિર હતું . માહિતી ખાતામાં ડોક્યુંમેન્ટરી ફિલ્મ હતી. કડાણા બંધમાં ડૂબાણમાં જતાં પુન:સ્થાપના કરવામાં આવી. શ્રી પ્રબોધકાંન્ત પંડ્યાના નેતૃત્વમાં આ વિસ્તારના  તમામ જ્ઞાતિના આગેવાનોના સાથ-સહકારથી અને ભગવાન નદીનાથ મહાદેવની કૃપાથી, લોકલાગણીને માન આપીને સરકારે સત્યતાનો રણકાર સાંભળ્યો અને જંગલમાં જમીન ફાળવી દીધી. પરિણામે ઘોડિયાર પાસે મહીસાગરના કિનારે ડુંગર ઉપર આ મહાતીર્થના નિર્માણનો શુભ આરંભ થયો.


સરિતા કિનારો હોય, ઉત્તુંગ ગિરિમથક હોય અને એક શિવાલય હોય તે આરાધના માટે શ્રેષ્ઠ સ્થળ ગણાય. બ્રહ્મહત્યાનું પાપ ધોવાય તેવો મહિસાગરનો સરીતા કિનારો અને શિખર પર બિરાજમાન શિવાલય આરાધના માટે શ્રેષ્ઠ છે.


સ્કેલમાપ પ્રમાણે જળાધારી અને તેના જ માપ પ્રમાણે શિવલિંગ અને અસલ જ્યોતિર્લિંગની ડિઝાઈન સાથે શાસ્ત્રોક્ત પ્રાણપ્રતિષ્ઠાએ તીર્થધામને સતધામમાં પરિવર્તિત કરી દીધું. સંતાનપ્રાપ્તિનું, મનોવાંચ્છિત ફળપ્રાપ્તિનું આ ધામ છે.


દર વર્ષે મહાસુદ પૂનમ વખતે મોટો મેળો ભરાય છે. ભેટમાં મળેલો મહાપ્રભુનો મહાપ્રસાદ આરોગી સૌ  યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશથી હજારો યાત્રાળુઓ ઉમટે છે.


પ્રભુકૃપાથી પહાડ ઉપર પણ પાકા રસ્તાની સુવિધા છે. માર્ગમાં પીવાના પાણીના સ્ટેન્ડપોસ્ટ છે. વોટરકુલરની સુવિધા ઉપલબ્ધ છે. સાધુ-સંતો, મહંતો, વટેમાંર્ગુઓ માટે અન્નક્ષેત્ર ચાલે છે. હિંચકા, લપસણી,ચકરડીથી ક્રિડાંગણ ધમધમે છે. બાળકો માટે ઉત્તમ ક્રિડાંગણ છે. માનસરોવરથી મેળવેલ પાણી મહીસાગરના જળમાં પધરાવી પહાડ પર માનસરોવર બંધાવેલ છે. બોટીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.


કલક્ત્તાના કારીગરોની કલાકૃતિ સમાન બે માળની વનકુટીર આકર્ષણનું કેન્દ્ર છે. કુટીરથી ૨૫ કિલોમીટર દુર સુધી વનરાજી આચ્છાદિત દ્રશ્યો શમાણાંની જેમ દેખાય છે.


બીજી વનકુટીર થાક્યાપાક્યા માનવીઓના મનનો વિસામો છે. એક હજાર માણસ જમી શકે તેટલા વાસણ સાથે કિચનશેડ ઉપલબ્ધ છે. કેટરર્સ સેવા ઉપ્બ્લબ્ધ છે. પવિત્રધામમાં લગ્નો થાય છે. બાબરી-બાધાના પ્રસંગો ઉજવાય છે. મેળાવડા-મીટીંગો, પૂજા-પાઠ, લઘુરુદ્ર, અભિષેક અને અનેકવિધ પૂજાઓ સળંગ ચાલ્યા કરે છે.


શિવ અને શક્તિનો સમન્વય જવલ્લેજ જોવા મળે, જે આ તીર્થધામમાં છે . સમન્વય, કીર્તીક્ળશ, માતાજીની અલૌકિક મૂર્તિ, નોરતાનો ઉત્સવ ભાતીગળ સંસ્કૃતિના પ્રતિક છે.  ઢોલીડાના નાદે મા શક્તિમાં લીન ગરબાવૃંદ જામે, માતાજીના પ્રસાદરૂપે નવેનવ દિવસે ભક્તોને લહાણી મળે, આઠમના હવન થાય, ખણધારી માતા ગરબે રમે, જય જયકાર થાય, પૃથ્વી પુલકિત બને.


વનમાં જન્મોત્સવ ઉજવાતો હોય તેવું આ તીર્થધામ છે. ભાવવિભોર ભક્તને આત્મા અને પરમાત્માનો એકાકાર થતો અવશ્ય લાગે. પ્રભુભક્તોના સહયોગથી ૩૨૦૦ ચો.ફૂટનો કોમ્યુનીટી હોલ આકાર પામી રહેલ છે. શૌચાલયોની સુવિધા સાથે પરિસર સજ્જ છે.
સનરાઈઝ પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ જોવાનો લ્હાવો અનેરો છે. રાત્રિ રોકાણ માટે લાઈટ-પંખાની સુવિધા સહિત કોટેજ ઉપલબ્ધ છે.


આ મહાતીર્થમાં બિરાજમાન સૌ દેવી-દેવતાઓની કૃપા આપણા સૌ ઉપર વરસતી રહે એવી પ્રભુને અંત:કરણ પૂર્વક પ્રાથના.